અમદાવાદના વટવા વિસ્તારમાં માત્ર એક મહિનાની માસૂમ બાળકીના અપહરણ અને વેચાણના ચોંકાવનારા કેસનો વટવા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બાળકીને હેમખેમ શોધી તેના અસલી માતા-પિતાને પરત સોંપી દેવામાં આવી છે, જ્યારે સમગ્ર કાવતરામાં સંડોવાયેલી ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.
વટવા પોલીસ સ્ટેશનમાં ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ફરિયાદી રાધાબેન ચારણે પોતાની એક મહિનાની દીકરીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ઓળખાણનો લાભ લઈ બાળકીને રમાડવાના બહાને લઈ જવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પરત આપવામાં આવી ન હતી. વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. અનિલ વછેટાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે જ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને અન્ય સૂત્રોના આધારે ઝડપી તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી હતી. સાથે જ સમગ્ર કાવતરામાં સામેલ ચાર મહિલાઓને પણ ઝડપી લેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જાગૃતિબેને ફરિયાદીના પતિને અગાઉ રિક્ષા ખરીદવા માટે એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ રકમ પરત ન મળતા તેણે બદલો લેવાના ઇરાદાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યાનું બહાર આવ્યું છે.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે જણાવ્યું કે બાળકીનો નડિયાદ ખાતે અંદાજે રૂ. ૧.૫૦ લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. આ સોદામાં મુખ્ય આરોપી જાગૃતિબેનને પ્રાથમિક રીતે રૂ. ૫,૦૦૦ મળ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી મંજુલાબેન પરમાર નેહરુનગર નજીક આવેલા એક આઇવીએફ સેન્ટરમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તેના મારફતે નડિયાદમાં રહેતી ૪૩ વર્ષીય નિઃસંતાન મહિલા ગીતાબેન સુધી બાળકી પહોંચાડવામાં આવી હતી. બાળક મેળવવાની ઇચ્છાનો ગેરલાભ ઉઠાવી આ સમગ્ર સોદો પાર પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પી.આઈ. અનિલ વછેટાના જણાવ્યા અનુસાર, આ માત્ર અપહરણનો નહીં પરંતુ સંભવિત બાળક ખરીદ-વેચાણના નેટવર્કનો મામલો હોઈ શકે છે. સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે બે વિશેષ તપાસ ટીમો બનાવી છે. પકડાયેલી ચારેય મહિલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ નવજાત શિશુના ખરીદ-વેચાણના નેટવર્કમાં અન્ય કોઈ વ્યÂક્ત, હોÂસ્પટલ,આઇવીએફ સેન્ટર અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.








































