ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી ‘વર્ષ-૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’ માં ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદાને હૃદયપૂર્વક આવકાર્યો છે. તેમણે આ દિવસને દેશના ઈતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ગુજરાતની ધરતી પર આતંકવાદ કે કોઈ પણ રાષ્ટÙવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી. આ ચુકાદો સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો માટે એક મજબૂત સંદેશ છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નામદાર હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખી ૩૮ આતંકીઓને ફાંસીની સજા અને ૧૧ ને આજીવન કેદની સજા બહાલ રાખી છે. ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસનો આ સૌથી મોટો ચુકાદો છે, જેનાથી પીડિત પરિવારોના આંસુ લૂછાયા છે અને નિર્દોષ આત્માઓને ન્યાય મળ્યો છે. તેમણે તપાસ ટીમની રાત-દિવસની અથાણું મહેનતને પણ બિરદાવી હતી.
ચુકાદાના ભાગરૂપે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલી નાણાકીય રાહત અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ મૃતકોના પરિવારોને ૧૦ લાખ રૂપિયાની સહાય અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ૫ લાખ રૂપિયાની આર્થિક મદદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવશે. સરકાર હંમેશા પીડિત પરિવારોના પડખે ઊભી છે.