ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં જામી રહેલા વરસાદી માહોલને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. વરસાદને કારણે સર્જાતી કોઈપણ સંભવિત આપદાને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા સતત મોનિટરિંગ અને આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
વરસાદી સ્થિતિનો તાગ મેળવવા અને વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે મંત્રી જીતુ વાઘાણી આજે સવારે ૧૦ વાગ્યે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના ત્રણ અતિ મહત્વના જિલ્લાઓ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં સરકાર અને વહીવટી તંત્રના તમામ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ જાડાશે. ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, સ્થાનિક સાંસદશ્રીઓ અને ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, ત્રણેય જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં
કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને સજ્જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં ત્રણેય જિલ્લાના વડા (કલેક્ટરો અને ડીડીઓ) પોતપોતાના જિલ્લાના અદ્યતન ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન’ (આપત્તિ વ્યવસ્થાપન યોજના) સાથે હાજર રહેશે.
આ બેઠક દરમિયાન મંત્રી દ્વારા સીધા જ કલેક્ટરો પાસેથી જમીની સ્થિતિનો લાઈવ રિપોર્ટ મેળવવામાં આવશે. નદી-નાળાની વર્તમાન સ્થિતિ અને જિલ્લાના મુખ્ય ડેમોમાં થઈ રહેલી પાણીની નવી આવક. ભારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતાવાળા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અને ત્યાંથી લોકોના સંભવિત સ્થળાંતરની તૈયારીઓ. વરસાદને કારણે વીજળી ડૂલ થવી, પીવાના પાણીની લાઈનોમાં ખામી સર્જાવી કે રસ્તાઓ બ્લોક થઈ જવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે જિલ્લા સ્તરે કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની સઘન સમીક્ષા.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારે વરસાદના આ માહોલમાં સામાન્ય જનજીવન ઓછું પ્રભાવિત થાય અને જરૂર પડ્યે રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી શકાય. કંટ્રોલ રૂમને ૨૪ કલાક કાર્યરત રાખીને લોકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.








































