પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચોમાસાની સીઝનની શરૂઆત થતાં જ ઘાતક ‘ચાંદીપુરા વાયરસ’એ ફરી એકવાર માથું ઊંચક્્યું છે. ગોધરાના બે અલગ-અલગ ગામોમાં આ વાયરસના શંકાસ્પદ લક્ષણોના કારણે બે માસૂમ બાળકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાળકોના મોતની આ ઘટનાને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બાળકોને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ ખેંચ (આંચકી) આવવા લાગી હતી. બાળકોની સ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જાકે, ત્યાં તેમની તબિયત વધુ લથડતાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને માસૂમોએ દમ તોડી દીધો હતો.
બે બાળકોના કરુણ મોત બાદ પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક પ્રભાવિત ગામોમાં દોડી ગયું છે અને વાયરસના ફેલાવાને અટકાવવા માટે નીચે મુજબની કામગીરી હાથ ધરી છે. વીંઝોલ અને જીતપુરા ગામના દરેક ઘરમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને જંતુનાશક દવાઓનો છંટકાવ (ફોગિંગ) શરૂ કરી દેવાયો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ વિસ્તારમાંથી વાયરસનો ફેલાવો કરતી ૨૬૦ જેટલી સેન્ડફ્લાય માખીઓ મળી આવી છે, જે ચિંતાનો વિષય છે. આ માખીઓ મુખ્યત્વે કાચા મકાનોની દીવાલોમાં પડતી તિરાડોમાં આશ્રય લેતી હોવાથી તંત્ર દ્વારા આવી તમામ તિરાડોને માટી કે સિમેન્ટથી પૂરવાની અને લિપણ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દર ચોમાસાની સીઝનમાં સેન્ડફ્લાય માખી કરડવાના કારણે ચાંદીપુરા વાયરસ સક્રિય થાય છે અને દર વર્ષે માસૂમ બાળકો આનો ભોગ બને છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા છેલ્લા ૨ વર્ષથી આ વિસ્તારમાં આ ઘાતક વાયરસ પર સતત સંશોધન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કમનસીબે હજુ સુધી આ અંગે કોઈ નક્કર પરિણામ કે ચોક્કસ રસી/દવા હાથ લાગી નથી.
ચોમાસાની ઋતુમાં બાળકોને આખા બાયના કપડાં પહેરાવો. જા બાળકને અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય કે આંચકી (ખેંચ) જેવા લક્ષણો દેખાય, તો ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલે તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં લઈ જાઓ. સમયસરની સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજા જાવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.








































