છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા મોટી ઝુડલી ગામે પાણીની પાઇપલાઇન લીક થવાના કારણે ભરાયેલા પાણીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોટી ઝુડલી ગામમાં રહેતા બુધારિયા ભીલની બે દીકરીઓ ઘર નજીક રમી રહી હતી. ગામમાંથી પસાર થતા કોઝવેની બાજુમાં જ સરકારી પાઇપલાઇન લીક હોવાના કારણે એક મોટા ખાડોમાં પાણી ભરાયું હતું. આ દરમિયાન બંને બાળકીઓ રમતાં-રમતાં અચાનક આ પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો ઊંડો હોવાના કારણે બંને બાળકીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મૃતક બાળકીઓના નામ નીરુમતિ બુધારિયાભાઈ ભીલ (ઉંમરઃ ૪.૫ વર્ષ) મીનાક્ષી બુધારિયાભાઈ ભીલ (ઉંમરઃ ૩.૫ વર્ષ)
એક જ પરિવારની બે સગી બહેનોના આ રીતે ડૂબી જવાથી મોતના પગલે માતા-પિતામાં ભારે આક્રંદ જાવા મળી રહ્યો છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગ્રામજનો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.