બાબરા તાલુકાના અમરાપરા ગામમાં વરસાદ માટે અનોખો સેવાયજ્ઞ યોજાયો હતો. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ પણ બાબરા પંથકમાં પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ માટે લોકો વિવિધ ધાર્મિક અને લોકપરંપરાગત ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન અમરાપરા ગામના યુવાનોએ ૧૫૧ કિલો લાડુ તૈયાર કરીને ગામની શેરીએ-શેરી ફરી શ્વાનને ખવડાવવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. લોકમાન્યતા અનુસાર શ્વાનને લાડુ ખવડાવવાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે તેવી શ્રધ્ધા સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના અનેક યુવાનો સેવાભાવ સાથે જોડાયા હતા અને સૌએ મળીને આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. ગામમાં આ અનોખી પહેલને લોકો દ્વારા પણ આવકાર મળ્યો હતો.











































