ભારત સરકારના રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કોડીનાર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ દિવસીય પલ્સ પોલિયો રસીકરણનો વિશેષ રાઉન્ડ સફળતાપૂર્વક શરૂ થયો હતો. આ અભિયાન હેઠળ ૦ થી ૫ વર્ષના અંદાજે ૧૯,૬૯૭ બાળકોને પોલિયોની જીવનરક્ષક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. તાલુકામાં કુલ ૧૨૪ પોલિયો બૂથનું આયોજન કરાયું છે, જેમાં ૪૮૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી,અજયભાઈ પરમાર, પંચાયતના સદસ્યો, સરપંચો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











































