અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ આખરે મહેર વરસાવતાં ખેડૂતો અને સામાન્ય લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અમરેલીમાં બપોરના સમયે સતત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બગસરામાં પણ સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લીલીયાના સલડી, ભેસાણ, મોટા કણકોટ અને જાત્રોડા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે લાંબા સમયથી અનુભવાતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી. સાથે જ ખેડૂતોમાં આગામી વાવણીને લઈને નવી આશા જાગી છે.બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અનેક ખેડૂતોએ ભૂગર્ભના પાણીથી સિંચાઈ કરીને આગોતરું વાવેતર કરી દીધું હતું, પરંતુ પાકને જીવંત રાખવા માટે વરસાદની તાતી જરૂરિયાત હતી. અગાઉ થોડો વરસાદ પડ્યો હોવા છતાં તે વાવણીલાયક નહોતો. ગુરુવારે રાત્રિના સમયે બાબરા શહેર સહિત ચમારડી, ઉંટવડ, ચરખા અને આસપાસના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હવે આગામી દિવસોમાં સારો વરસાદ પડશે અને વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિવસભર બાબરા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં અનેકવાર વરસાદી વાદળો છવાયા હતા, પરંતુ સાંજ સુધી વરસાદ પડ્યો નહોતો. રાત્રિ દરમિયાન મેઘસવારી શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કોટડાપીઠામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જાવા મળ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.બીજી તરફ અમરેલી જિલ્લાના છેવાડાના વડિયા વિસ્તારમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ખેડૂતોને રાહત આપી છે. એક જુલાઈના રોજ બપોર બાદ આશરે ૩૦ મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ તે વાવણી માટે પૂરતો માનવામાં આવતો નહોતો. જ્યારે બે જુલાઈના રોજ બપોરે લગભગ અઢી વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વડિયા ડેમ સાઇટ પર દિવસ દરમિયાન કુલ ૬૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ વાવણીલાયક હોવાથી ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ગામોમાં ખેડૂતો ખેતીના કામમાં ફરી સક્રિય બન્યા હતા. જેમણે આગોતરું વાવેતર કર્યું હતું તેમના મુરઝાતા પાકને પણ નવજીવન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે સારી ખેતી અને સારા ઉત્પાદનની આશા સાથે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે.











































