ધારી પંથકમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. નવા ચરખા ગામે ભાવનગર જિલ્લાની એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને નરાધમે ‘જો કેસ કરશો તો દવા પી તમારા નામ લખાવી દઈશ’ તેવી ગર્ભિત ધમકી આપી હતી.બનાવ અંગે ભોગ બનનારના પિતાએ ભાવનગરના તળાજા તાલુકાના મેથળા ગામના મિલનભાઇ ઝવેરભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના પરિવાર સાથે ધારી તાલુકાના નવા ચરખા ગામે દિવાળી પર કપાસ વીણવાની મજૂરીએ આવ્યા હતા. તે સમયે આરોપી મિલન પણ તેની માતા અને બહેન સાથે ત્યાં મજૂરી અર્થે આવ્યો હતો.ગત તા. ૧૬/૧૨/૨૦૨૫ના રોજ રાત્રિના સમયે પરિવાર મકાનની પાછળ આવેલા ફરજામાં સૂતો હતો, ત્યારે ઊંઘનો લાભ લઈ આરોપીએ સગીરા સાથે બળજબરી કરી તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે,‘જો આ વાત કોઈને કહી તો તને અને તારા પૂરા પરિવારને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીવડાવી જાનથી મારી નાખીશ.’આ વાતની પરિવારને જાણ થતાં તેઓ આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા અને સગીરાને અપનાવી લેવા જણાવ્યું હતું. જોકે, આરોપીએ ઉધ્ધત વર્તન કરી ગર્ભિત ધમકી આપતાં કહ્યું કે, ‘તમારે જેમ કરવું હોય તેમ કરો, જો કેસ કરશો તો હું પોતે દવા પીને તમારા બધાના નામ લખાવી દઈશ.’ દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક (છજીઁ) જયવીર ગઢવી આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































