અમદાવાદના છારોડી સ્થિત SGVP (સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ) કેમ્પસ ખાતે રવિવારે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપક્રમે આયોજિત આ અભિયાન અંતર્ગત SGVP ગુરુકુલ દ્વારા એક જ ઝુંબેશમાં ૧ લાખથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના એક કરોડ વૃક્ષારોપણના મહાસંકલ્પને આગળ વધારવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવી ‘હરિયાળી લોકસભા’ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામી અને સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સવારે મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.






































