વર્ષ ૨૦૨૩માં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ બી. જી. અવસ્થીએ મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી સસરાને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સંજાગોના આધારે ફરિયાદ વિશ્વસનીય ન હોવાનું સામે આવ્યું હતું.
કેસ દરમિયાન સામે આવ્યું કે પરિણીતાને તેના ઘરે રહેતા એક ભાડુઆત સાથે સંબંધ હતો. આ બાબત સાસરિયાંના ધ્યાનમાં આવી જતાં પરિવારમાં વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ પરિણીતાએ બદલો લેવાની ભાવનાથી સસરા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હોવાનું કોર્ટના અવલોકનમાં નોંધાયું છે.કોર્ટ સમક્ષ એ હકીકત પણ સામે આવી કે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પહેલાં પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાની અરજી કરી હતી. જાકે બંને સ્થળે બળાત્કારનો કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નહોતો અને ફરિયાદ પણ નોંધાઈ નહોતી. ત્યાર બાદ અંતે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ચુકાદાની વધુ એક મહત્વની બાબત એ રહી કે કેસની તપાસ કરનાર ચાંગોદર પોલીસે વાડજ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ કરવામાં આવેલી અરજીઓનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ કોર્ટ સમક્ષ રજૂ કર્યો નહોતો.અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદામાં કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા, સંજાગો તેમજ અગાઉ કરવામાં આવેલી અરજીઓના આધારે ફરિયાદ વિશ્વસનીય ન હોવાનું નોંધવામાં આવ્યું હતું. તેના આધારે આરોપી સસરાને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા હતા.