મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તેમના જન્મદિવસના અવસરે ગુજરાતના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ આધ્યાત્મિકતા માટે સમય કાઢ્યો હતો. જેમાં તેઓ અડાલજ ત્રિમંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં શીશ ઝુકાવ્યુ હતું.
જન્મદિવસ પર મંદિર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીંયા તેમને ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરી હતી. તેમના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત રાજકીય નેતાઓ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
જેમાં પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે,- “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના”.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મ દિવસ પર શુભકામના પાઠવી હતી. અમિત શાહે લખ્યુ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મોદીજીના નેતૃત્વમાં આપ ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારવામાં સરાહનીય ભૂમિકા ભજવી રહ્યા છો. ભગવાન સોમનાથ મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે એવી કામના.
આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત કેબિનેટના મંત્રીઓ,ભાજપના હોદ્દેદારો સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓએ ભુપેન્દ્ર પટલેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
ભૂપેન્દ્ર પટેલ શિસ્તબદ્ધ અને સાદગીપ્રિય સ્વભાવ ધરાવે છે. જેમાં મંદિરે જઈ જન્મદિવસ પર આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરવામાં આવતા તેમાં તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું દેખાયું હતું.
ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૬૨ના રોજ અમદાવાદમાં થયો હતો. જેમાં તેમને માધ્યમિક શિક્ષણ પૂરૂ કર્યા બાદ સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. પોલીટીક્સમાં પ્રવેશ પહેલા તેઓ બિલ્ડર હતા.
તેમને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારીઓ સંભાળી હતી. પછી વર્ષ ૨૦૧૭માં તેઓ ભાજપની ટીકીટ પરથી ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ઈલેકશન જીત્યા હતા. વર્ષ ૨૦૨૧માં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપે તેમને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી.