સાવરકુંડલા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ‘અહીં અમારા છોકરા રમતા હોય રિક્ષા ધીમે ચલાવજો’ તેમ કહેતા જ કુહાડીનો ઘા મારી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ‘અમારી સામે બોલશો તો તમને જીવતા નહીં રહેવા દઈઅ’ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વિનુભાઇ વિઠલભાઇ શિયાળ (ઉ.વ.૪૨) એ કિશનભાઇ બાલાભાઇ પડસારીયા, પારસભાઇ ભીખાભાઇ પડસારીયા અને ભીખાભાઇ સુરાભાઇ પડસારીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ પોતાના ઘર પાસે રોડ ઉપર ઉભા હતા ત્યારે કિશનભાઈ પડસારીયા રિક્ષા લઇને નીકળ્યા હતા અને તે વધુ સ્પીડે ચલાવતા હતા. તેઓ ફરીવાર ત્યાંથી પસાર થતાં વિનુભાઈએ તેમને કહ્યું હતું કે, ‘અહીં અમારા છોકરા રમતા હોય રિક્ષા ધીમે ચલાવજો.’ તેમજ તેમના કાકાને પણ આ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખીને આરોપીઓ કુહાડી અને લાકડી લઇને આવી ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. વિનુભાઈએ ગાળો બોલવાની ના પાડતા, માથાના ભાગે કુહાડીનો એક ઘા મારી ચાર ટાંકા આવે તેવી ઈજા કરી હતી. તેમજ બીજો ઘા બાવડાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.
આ દરમિયાન સાક્ષી તેમજ તેમની ભત્રીજી બચાવવા વચ્ચે પડતાં તેમને પણ લાકડી અને કુહાડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. જતાં-જતાં ત્રણેય ઇસમોએ ધમકી આપતાં કહ્યું હતું કે, ‘હવે જો અમારી સામે બોલશો તો તમને જીવતા નહીં રહેવા દઈએ અને જાનથી મારી નાખીશું.’ આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































