ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ ૧.૩૦ લાખ ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી વધીને ૧૩૭.૪૮ મીટરે પહોંચી છે. નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી હવે માત્ર ૧.૨ મીટર દૂર છે અને ડેમ ૯૪.૫૦ ટકા ભરાઇ ગયો છે. પાણીની આવક યથાવત રહેતા ડેમના તમામ પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે અને આરબીપીએચ તથા સીએચપીએચમાંથી વીજ ઉત્પાદન શરૂ થયું છે.
બીજી તરફ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અબડાસામાં ૨.૧૩ ઇંચ, ભુજમાં ૧.૨૬ ઇંચ અને નખત્રાણામાં ૧.૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૮૪.૩૮ ટકા વરસાદ નોંધાયો છે. જાકે ૪૨ તાલુકામાં હજુ ૫૦થી ૯૫ ટકા સુધી વરસાદની ઘટ જાવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર ૧૦.૫૪ ટકા, પોરબંદરમાં ૨૪.૭૬ ટકા અને જામનગરમાં ૩૯.૨૭ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છના માત્ર ૫ તાલુકામાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં સરેરાશ ૧૦૧.૯૪ ટકા અને નડિયાદમાં ૧૭૪.૫૨ ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના કુલ ૬૭ તાલુકામાંથી માત્ર ૫ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં ૧૨૦.૬૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૨૧ સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટા પાયે ભારે વરસાદ કે મેઘગર્જનાની આગાહી નથી. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે.









































