રાજુલા તાલુકાના નાના રીંગણીયાળા ગામે પાણીમાંથી એક વૃધ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગામના સરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળે એકત્ર થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ ગામના રહેવાસી ભાણાભાઈ આપાભાઈ બોરીચા (ઉંમર અંદાજે ૭૦ વર્ષ) તરીકે થઈ હતી. મળતી માહિતી મુજબ ભાણાભાઈ ગામમાં એકલા રહેતા હતા અને તેમની સાથે પરિવારનો અન્ય કોઈ સભ્ય રહેતો ન હતો. ઘટનાની જાણ થતાં તેમના ભાઈઓ પણ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.