સા.કુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ કેળવવા શાળા સ્તરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકશાહી પધ્ધતિ દ્વારા દરેક વર્ગમાંથી મોનિટર અને સમગ્ર શાળામાંથી જનરલ સેક્રેટરી (જી.એસ.)ની પસંદગી કરાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરી મતાધિકાર અને લોકશાહીના મૂળભૂત સિધ્ધાંતોનો વ્યવહારિક અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમને બાળપણથી જ લોકશાહી મૂલ્યો અપનાવી ભવિષ્યના જાગૃત નાગરિક બનવા પ્રેરણા અપાઈ હતી.આ સફળ આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષક કુણાલભાઈ મહેતા અને વિશિષ્ટ શિક્ષક વિમલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ થયું હતું, જ્યારે યોગેશભાઈ ચૌહાણે ફોટોગ્રાફીની જવાબદારી સંભાળી હતી. ચૂંટણી બાદ નેતૃત્વ અને બંધારણીય મૂલ્યોના આદર માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની શપથવિધિ યોજાઈ હતી. અંતે શાળાના આચાર્ય જીતુભાઈ ભટ્ટે તમામ વિજેતાઓને મીઠાઈ ખવડાવી, શુભેચ્છાઓ પાઠવી પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા પ્રોત્સાહિત કર્યા હતા.









































