ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં અગાઉ સિંહના આતંક બાદ હવે નાના એવા બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાએ કાળો કેર વર્તાવ્યો હોવાની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. અહીં દીપડાના ઘાતકી હુમલામાં ૧૦ વર્ષના એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે વન વિભાગ સામે પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મળતી વિગતો મુજબ, ભાવનગર મહુવાના બાંભણિયા ગામે દીપડાના હુમલામાં નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા નામના ૧૦ વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. નિત્ય સાંજના સમયે શાળાએથી છૂટીને પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીએ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં જ ટાંપીને બેઠેલા હિંસક દીપડાએ માસૂમ બાળક પર અચાનક હુમલો કરી દીધો હતો અને તેને વાડી વિસ્તારમાં ઢસડીને ઉપાડી ગયો હતો. શિકારી દીપડાએ વાડીના નિર્જન વિસ્તારમાં લઈ જઈને બાળકને ફાડી ખાધો હતો.
બીજી તરફ, નિત્ય સમયસર વાડીએ ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેને શોધવા માટે દોડધામ શરૂ કરી હતી. ભારે શોધખોળના અંતે પરિવારજનોને નિત્ય દીપડાએ ફાડી ખાધેલી અત્યંત લોહીલુહાણ અને ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જાઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લોહીથી લથપથ નિત્યને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ આઘાતજનક સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે, મૃતક નિત્ય તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનો એકનો એક લાડકવાયો દીકરો હતો. પરિવારના એકમાત્ર ચિરાગને દીપડાએ છીનવી લેતા માતા-પિતાના કરુણ આક્રંદથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
હાલમાં મહુવા પંથક અને અમરેલીના રાજુલા પંથકમાં રાની પશુઓનો આતંક સતત વધી રહ્યો છે, જેનાથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહુવા તાલુકામાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલો કરવાની આ ત્રીજી મોટી ઘટના છે અને આશ્ચર્યજનક રીતે આ ત્રણેય કિસ્સાઓમાં માનવીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ છે.
આ ઘટના બાદ આખરે વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ની ટીમ દોડતી થઈ છે અને નરભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવીને સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં એકલા ન જવા સૂચના અપાઈ છે. વન વિભાગે ખાસ અપીલ કરી છે કે જો ક્યાય પણ વન્ય પ્રાણી જાવા મળે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર જાણ કરવી.