ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦ મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચી દીધો છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી આ મેચમાં તેણે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં ૧૦૦ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન અને ઇશાન કિશન માત્ર ૨ રનના સ્કોર પર આઉટ થતાં ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. જોકે, આવા મુશ્કેલ સમયમાં પણ અભિષેકે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે ઇંગ્લેન્ડના બોલરો પર વળતો પ્રહાર કરતા માત્ર ૨૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઇનિંગ દરમિયાન સાકિબ મહમૂદની ઓવરમાં સતત બે છગ્ગા મારીને તેણે પોતાના ૧૦૦ છગ્ગા પૂરા કર્યા હતા.
અભિષેકે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર ૭૮૫ બોલનો સામનો કર્યો હતો. આ સાથે જ તેણે વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન એવિન લુઇસનો રેકોર્ડ તોડ્યો છે, જેણે ૧૦૦ છગ્ગા માટે ૭૮૯ બોલ લીધા હતા. અભિષેકે ૨૪ બોલમાં ૫૯ રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ હતા.













































