જાફરાબાદના બાલાનીવાવ ગામે રહેતા ૨૨ વર્ષીય દિવ્યેશભાઈ વાઘેલા અને તેમના પત્ની મજૂરી કામ પતાવી મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભટવદર ગામ પાસે બાઇકમાં પેટ્રોલ ખૂટી જતાં દિવ્યેશભાઈએ તેમના પિતા જેસિંગભાઈને પેટ્રોલ લઈને બોલાવ્યા હતા.પિતા પેટ્રોલ પૂરતા હતા ત્યારે મીઠાપુર ગામના મનસુખભાઈ વાઘેલા સહિત છ શખ્સો લોખંડની પાઇપ, ધારીયા અને લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં થયેલી બોલાચાલીની જૂની અદાવત રાખી મનસુખભાઈએ ‘તારી હવા હજી ઓછી નથી થઈ’ તેમ કહી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.દિવ્યેશભાઈના પિતાએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને ધારીયાના ઘા વાગવાથી પુત્રને માથામાં પાંચ અને પિતાને ચાર ટાંકા આવ્યા હતા. હુમલાખોરો પિતા-પુત્રને મૂઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ અંગે જાફરાબાદ પોલીસમાં ગુનો નોંધાયો છે.