સાવરકુંડલા શહેરના આડીશેરી વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ જલારામ મંદિર, કબીર મંદિર તથા સ્વામિનારાયણ મંદિર તરફ જતો આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ અને બાળકોની અવરજવર રહે છે. પરંતુ રસ્તા પર રખડતા પશુઓના ટોળાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પશુઓ વચ્ચે ઝઘડા થતાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચે છે. ઉપરાંત વહેલી સવારે મોટા અવાજે હોર્ન વગાડાતા વૃદ્ધો, દર્દીઓ અને નાના બાળકોના આરામમાં ખલેલ પહોંચે છે. મોડી રાત્રે લીલો કચરો સહિતની સામગ્રી સળગાવવાના કારણે ધુમાડો ફેલાઈ રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને તકલીફ પડે છે અને આગ લાગવાનો ભય રહે છે. પશુઓના કચરા અને ખાતરના સંગ્રહથી સ્વચ્છતા તેમજ આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઉભા થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી અસરકારક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.










































