ખાંભા શહેરના ભગવતીપર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી નોનવેજ હોટલ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને રહેણાંક વિસ્તારમાં ચાલતી નોનવેજ હોટલ સામે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારમાં આવી હોટલ ચાલવાને કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ રહી છે. દુર્ગંધ તેમજ ગંદકીના કારણે આસપાસ રહેતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સ્થાનિકોએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં નોનવેજ હોટલ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિકો રસ્તા રોકો આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.