અમરેલી જિલ્લામાં શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ઉનાળાની આકરી ગરમી અને લાંબા સમયથી વરસાદ ન પડવાના કારણે બજારમાં આવતું શાકભાજી મોટા પ્રમાણમાં બગડી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ બજારમાં પહોંચતા પહેલા જ અંદાજે ૩૫થી ૪૦ ટકા જેટલું શાકભાજી ખરાબ થઈ જાય છે. જેના કારણે વેપારીઓને નુકસાન સહન કરવું પડે છે અને તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. ઓછી આવક અને વધુ બગાડને કારણે શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે.શાકભાજીના વેપારીએ જણાવ્યું કે વરસાદના અભાવે પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. યાર્ડમાં આવતું શાકભાજી ગરમીના કારણે શરૂઆતમાં જ ૧૦થી ૧૫ ટકા સુધી બગડી જાય છે. ત્યારબાદ સ્થાનિક વેપારીઓ જ્યારે તે માલ ખરીદી કરીને છૂટક બજારમાં પહોંચાડે છે ત્યારે વધુ ૧૫ ટકા જેટલો માલ ખરાબ થઈ જાય છે. આ રીતે ગ્રાહકો સુધી પહોંચતા કુલ ૩૫થી ૪૦ ટકા શાકભાજી વેડફાઈ જાય છે, જેના કારણે બજારમાં પુરવઠો ઘટી રહ્યો છે અને ભાવમાં વધારો થઈ રહ્યો છે.હાલ ગુજરાતના બજારોમાં મોટાભાગનું શાકભાજી અન્ય રાજ્યોમાંથી આવી રહ્યું છે. ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવે છે, જ્યારે વટાણા હિમાચલ પ્રદેશમાંથી લાવવામાં આવે છે. મરચાં અમદાવાદ આસપાસના વિસ્તારોમાંથી, મેથી અને કોથમીર ઈન્દોરથી તેમજ ગુવાર મહારાષ્ટ્રમાંથી આવી રહ્યો છે. લાંબા અંતરના પરિવહન અને ભારે ગરમીના કારણે શાકભાજીની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડી રહી છે, જેના કારણે બગાડનું પ્રમાણ વધી રહ્યું છે.દર વર્ષે આ સમય સુધીમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં વાવણીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતો તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે, છતાં પૂરતો વરસાદ ન પડતા ખેતરો સૂકા પડ્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો વાવણી પર ગંભીર અસર પડશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.બજારમાં હાલ કોથમીર, મેથી, ગુવાર, ચોળાશિંગ, આદુ અને ટામેટાના ભાવ સામાન્ય લોકોના બજેટ બહાર પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે શાકભાજીના ઉત્પાદન અને પુરવઠામાં સુધારો લાવવા માટે ઓછામાં ઓછા પાંચ ઇંચ વરસાદ જરૂરી છે. જો આગામી ૧૫ તારીખ સુધીમાં પૂરતો વરસાદ નહીં પડે તો ખેતી, બજાર અને ગ્રાહકો ત્રણેય પર તેની ગંભીર અસર જોવા મળશે અને શાકભાજીના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આમ, વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા
ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે.










































