વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે ગઈકાલે ૨૬ જૂનની મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારમાં જતા એક યુવકને પીછો કરીને ગોળી મારી હતી. ગોળી યુવકના ખભામાં વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ – મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીનો આ યુવક વડોદરામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે. ગઈકાલે રાત્રે તે કાર લઈને વાઘોડિયા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવીને તેની કારને ઓવરટેક કરી હતી અને અચાનક ફાયરિંગ કર્યું હતું. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
સ્થાનિકો યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા – સ્થાનિક લોકોએ તરત જ લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને મદદ કરી હતી અને તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દોડી આવી હતી. પોલીસની હાજરીમાં એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કર્યું હતું. તો હુમલાખોરો ઘટના અંજામ આપીને તરત જ ફરાર થઈ ગયા હતા.હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નીક્લ પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.