સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમ છેલ્લા ૧૩ વર્ષથી રખડતી અને ભટકતી મનોરોગી મહિલાઓની વિનામૂલ્યે સારવાર કરીને તેમને પુનઃ સામાન્ય જીવન તરફ લાવવાનું સેવાકાર્ય કરી રહ્યો છે. આશ્રમના મહંત ભક્તિ બાપુએ ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરોના પૂજારીઓના બાળકોને શિક્ષણની સુવિધા મળે તે હેતુથી ગયા વર્ષે કુમાર છાત્રાલય શરૂ કર્યું હતું. આ વર્ષે વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે સાધુ સમાજની દીકરીઓ માટે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ સહિત અનેક મહામંડલેશ્વરો, કથાકારો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમમાં સ્વસ્થ થયેલી મહિલાઓના નિમિત્તે ભંડારાનું પણ આયોજન કરાયું હતું.