ઊના તાલુકાના મહત્વના બંદર ગામ સૈયદ રાજપરામાં વર્ષોથી ભરતી અને ચોમાસા દરમિયાન રામજી મંદિર વિસ્તાર સુધી દરિયાનું પાણી ઘુસી આવતાં રહેણાંક વિસ્તારની જમીનનું ભારે ધોવાણ થતું હતું. આ કારણે અગાઉ ૭થી ૮ મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક મકાનો ધરાશાયી પણ થયા હતા.આ સમસ્યાને લઈને ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં દરિયાના પાણીના પ્રવેશને રોકવા માટે રૂ. ૭ કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ (પ્રોટેક્શન વોલ) બનાવવા મંજૂરી આપવામાં આવી છે. ક્ષાર અંકુશ વિભાગે કામગીરી ઝડપી બનાવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. ટૂંક સમયમાં કામ શરૂ થતાં જમીન ધોવાણની સમસ્યામાં રાહત મળશે. ગ્રામજનો અને આગેવાનોએ નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કર્યો છે.