ગોંડલની જીવાદોરી સમાન આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમને આવનારા અઠવાડિયામાં નર્મદાના નીરથી છલોછલ ભરાશે. ગોંડલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સતત પ્રયાસોના પરિણામે ગોંડલ શહેરને નર્મદાના નીર ફાળવવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આશાપુરા ડેમમાંથી સેતુબંધ ડેમમાં પાણી પહોંચાડવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હાઈટેક પંપ કાર્યરત કરવામાં આવ્યો છે. આ હાઈટેક પંપ દ્વારા દર કલાકે ૨.૫ લાખ લીટર પાણી સેતુબંધ ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાથી શહેરના વોર્ડ નં. ૩ અને ૪ ના વિસ્તારો જેવા કે ભગવતપરા, SRP કેમ્પ વિસ્તાર, અને કોટડા સાંગાણી રોડના સ્થાનિક રહીશોને પૂરતા પ્રેશરથી અને નિયમિત પાણી પૂરું પાડી શકાશે.