લાઠી-બાબરા વિધાનસભા વિસ્તારમાં બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ૧૬ નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે રૂ. ૨.૮૮ કરોડ મંજૂર કર્યા છે. ધારાસભ્ય જનક તળાવીયાના સતત પ્રયાસો અને અસરકારક રજૂઆતોના પરિણામે લાઠી તાલુકામાં ૮ તથા બાબરા તાલુકામાં ૮ કેન્દ્રોનું નિર્માણ થશે. દરેક કેન્દ્ર માટે રૂ. ૧૮ લાખની ફાળવણી કરવામાં આવી છે.નવા કેન્દ્રોથી બાળકોને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર અને આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ બનશે. સગર્ભા અને ધાત્રી માતાઓને પણ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે. ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડી કેન્દ્રો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.સ્થાનિક લોકોએ આ નિર્ણયને આવકારી રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.







































