ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એસીબી સતત સકંજા કસી રહ્યું છે, ત્યારે મહેસાણામાંથી લાંચખોરીનો વધુ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં ડીઆઇએલઆરના સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવીને રૂપિયા ૭૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ, અરજદારે પોતાની જમીનની માપણી કરાવવા અને તેનો સત્તાવાર નકશો બનાવી આપવા માટે ડીઆઇએલઆર કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે ડીઆઇએલઆરના સર્વેયર આશિષ પરમારે અરજદાર પાસે અધધ રૂપિયા ૧,૯૦,૦૦૦ (એક લાખ નેવું હજાર)ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી લાંચિયા સર્વેયર આશિષ પરમાર રૂપિયા ૭૦ હજારની લાંચ લેતા જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે મહેસાણાની જૂની કોર્ટ કેમ્પસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. સર્વેયર આશિષ પરમારે લાંચની કુલ રકમમાંથી ૭૦ હજારનો પ્રથમ હપ્તો સ્વીકારવાનું નક્કી કર્યું હતું. જેવો જ આરોપી આશિષ પરમાર જૂની કોર્ટ કેમ્પસમાં અરજદાર પાસેથી રૂપિયા ૭૦ હજારની રોકડા રકમ લેવા પહોંચ્યો અને નાણાં હાથમાં લીધા, કે તરત જ અગાઉથી વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
રંગેહાથ પકડાયેલા લાંચિયા સર્વેયર આશિષ પરમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર એસીબી દ્વારા હાલ આરોપીની અટકાયત કરીને તેની ઓફિસ, રહેઠાણ અને મિલકતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવસદહાડે કોર્ટ કેમ્પસ જેવા જાહેર સ્થળે થયેલી આ કામગીરીથી મહેસાણાના સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.