અમદાવાદમાં લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ ફરી જોરદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના ધંધુકા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધંધુકાના ઊંચડી વિસ્તારમાં ભારે પવન સાથે અંદાજે ૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા જ સમયમાં ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને અનેક સ્થળોએ રસ્તાઓ નદી જેવા દેખાવા લાગ્યા હતા.
માત્ર ઊંચડી જ નહીં, પરંતુ ધંધુકા તાલુકાના ચંદરવા, ઊંચડી સાલાસર, બાજરડા, સરવાળ અને ઝાંઝરકા સહિતના ગામોમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
જિલ્લામાં અગાઉ પણ સારો વરસાદ પડી ચૂક્યો હોવાથી આ નવા વરસાદથી ખેતીના પાકને કયાક લાભ તો ક્યાંક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે લાંબા સમયથી અનુભવાઈ રહેલી ઉકળાટ બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને રાહતનો અનુભવ થયો છે.









































