શાપર-વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનટી વ્યાપી જવા માપી છે.જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મસ્કત ફાટક નજીકથી મળી આવેલ યુવકના મૃતદેહનો પોલીસે કબ્જા મેળવી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મસ્કત ફાટક નજીકથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાપર વેરાવળના મસ્તક રેલવે ટ્રેક નજીક આવેલી અવાવરૂ જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મસ્કત ફાટક નજીક અવાવરૂ જગ્યામાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગત રાત્રે શાપર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને યુવકનો મૃતદેહનો કબ્જા લીધો હતો.
આ ઘટનામાં સૌથી વધુ રહસ્યમય બાબત એ છે કે મૃતક યુવકે મહિલાઓ પહેરે તેવા દાગીના પહેર્યા હતા. મૃતદેહ ૪ થી ૫ દિવસ જૂનો હોવાથી તેમાં જીવાતો પડી ગઈ હતી. હાલ શાપર પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના શરીર પર લાંબા વાળ, પગમાં સ્ત્રીઓ પહેરે તેવા સાંકળા (ઝાંઝરી) અને હાથમાં બંગડી જેવું ઘરેણું પહેરેલું જાવા મળ્યું હતું. આ દાગીના અને વેશભૂષા જાઈને શરૂઆતમાં પોલીસને લાગ્યું કે કોઈ મહિલાનો મૃતદેહ છે, પરંતુ બારીકાઈથી તપાસ કરતા મૃતક ૨૦થી ૨૫ વર્ષનો યુવક હોવાનું સામે આવ્યું હતું. મૃતકે જીન્સનું પેન્ટ પહેરેલું છે.યુવકની રહસ્યમય વેશભૂષા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે મૃતદેહનો કબ્જા મેળવી ઘટનાસ્થળે જરૂરી પંચનામું અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબોની ખાસ પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, તબીબોનો સત્તાવાર ફોરેન્સીક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ હિંસા કે ગળું દબાવવાના નિશાન ખુલશે, તો તુરંત જ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.