શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે વડોદરા એલસીબી ઝોન-૩ની ટીમે વાઘોડિયા રોડ વિસ્તારમાં એક મોટી અને સફળ રેડ કરી છે. બાતમીના આધારે જાનકી ડુપ્લેક્સમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે કલ્પી ન શકાય તેવું ગુપ્ત ભોંયરું શોધી કાઢ્યું હતું. આ ભોંયરામાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
એલ.સી.બી. ઝોન-૩ની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ પર આવેલા જાનકી ડુપ્લેક્સના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની તલાશી દરમિયાન પોલીસને એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું, જેને ખોલવા માટે આરોપીઓ ખાસ વેક્યૂમ પ્લેટનો ઉપયોગ કરતા હતા.
આ ભોંયરાની અંદરથી અલગ-અલગ ૨૪ નામાંકિત બ્રાન્ડની કુલ ૩૨૨ નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા દારૂની કુલ કિંમત ૩.૨૬ લાખથી વધુ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા શૈલેષભાઈ શંકરભાઈ કહાર (ઉંમર વર્ષ ૪૪) નામના શખ્સની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને ભોંયરું ખોલવા માટે વપરાતી વેક્યૂમ પ્લેટ સહિત કુલ ૩.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સાગરીત ચેતન ચંદુભાઈ કહારને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








































