નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તાર સાથે જાડાયેલા વર્ષો જૂના વન વિભાગની જમીન સંબંધિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. આ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા છે.
મનસુખ વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવા સહિત અન્ય લોકોને સજા થતાં તેમને દુઃખ થયું છે. તેમણે ખાસ કરીને આ કેસમાં એક નાની બાળકીને પણ સજા થઈ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જાકે, તેમણે સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા.
તેમણે પૂછ્યું કે જ્યારે સમગ્ર કેસ કોર્ટમાં વિચારાધીન હતો અને સુનાવણી ચાલી રહી હતી, ત્યારે ચૈતર વસાવા માટે અનુભવી વકીલોની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી? તેમનું કહેવું હતું કે હવે પાર્ટીના નેતાઓ અને દિલ્હીના વકીલો સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસની સુનાવણી દરમિયાન તેઓ સક્રિય કેમ નહોતા?
મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાતો પણ કરતા હતા. પોતાના મતવિસ્તારના વિકાસના કામો માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ હતા.
પૂર્વ સાંસદે વધુમાં આક્ષેપ કર્યો કે હવે સમગ્ર ઘટનાને રાજકીય મુદ્દો બનાવીને ચૈતર વસાવાનો રાજકીય રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના મતે, ચૈતર વસાવા સરળ સ્વભાવના વ્યક્તિ છે, પરંતુ કેટલાક લોકો પોતાના રાજકીય હિત માટે તેમને આગળ રાખી રહ્યા છે.
હાલ આ નિવેદન બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આમ આદમી પાર્ટી તરફથી આ આક્ષેપો અંગે શું સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પર સૌની નજર છે.








































