બગસરા શહેરમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી શાળા પ્રવેશોત્સવ દરમિયાન PGVCLન્ની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન વીજ પુરવઠો અવિરત રાખવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અગાઉથી લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, મંગળવાર અને બુધવારે સવારે સીટી ફીડરમાં રીપેરિંગના નામે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. પરિણામે અનેક શાળાઓમાં ચાલી રહેલા પ્રવેશોત્સવ કાર્યક્રમો દરમિયાન અચાનક વીજળી ગુલ થતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ઉકળાટભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને હાજર સરકારી અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ જાણકારી હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય આયોજન ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર મામલે જવાબદારો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.







































