ખાંભા તાલુકાના ચતુરી ગામમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. ગીરના સીમાડે આવેલા આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેનો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત રાત્રે ચતુરી ગામમાં પાંચ વર્ષના માસુમ બાળકનો સિંહના હુમલામાં દુઃખદ મોત નીપજતા ગામમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.મળતી માહિતી અનુસાર ચતુરી ગામમાં રહેતો પાંચ વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે રાત્રિના સમયે દૂધ આપવા માટે જઈ રહ્યો હતો. બાળક દાદાની આંગળી પકડીને ચાલતો હતો ત્યારે અચાનક અંધારામાંથી એક સિંહણેે ત્રાટકી હતી. દાદા કાંઈ સમજી શકે તે પહેલા જ સિંહણેે બાળક પર હુમલો કરીને તેને ઉઠાવી લીધો હતો અને જંગલ તરફ દોડી ગઈ હતી દાદાની ચીસો સાંભળી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગ્રામજનોએ લાકડીઓ અને ટોર્ચ લઈને બાળકની શોધખોળ શરૂ કરી હતી. કેટલાક યુવાનો સિંહણની પાછળ પણ દોડ્યા હતા અને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે પ્રયાસો છતાં બાળકને જીવતો બચાવી શકાયો ન હતો.
ગામથી થોડે દૂર બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ આ ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ સિંહોની અવરજવર વધી ગઈ છે છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને શોધ અભિયાન હાથ ધર્યું હતું. વન તંત્ર દ્વારા સિંહોને કાબૂમાં લેવા માટે વિશેષ કામગીરી કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલી કામગીરી દરમિયાન અનેક સિંહોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાએ ફરી એક વખત માનવ અને વન્ય પ્રાણી વચ્ચે વધતા સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે.
ગ્રામજનો હવે પોતાના પરિવાર અને બાળકોની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે અને વન તંત્ર પાસેથી કાયમી અને અસરકારક ઉકેલની માંગ ઉઠી રહી છે.









































