અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન બનેલા ફાયરિંગ સાથેના ચકચારી લૂંટ કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઝોન-૩ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ કરોડો રૂપિયાના મુદ્દામાલની લૂંટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે અને હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં ખાડિયાની એક સોનીની દુકાનમાં મોઢા પર રૂમાલ બાંધીને એક શખ્સ પિસ્તોલ સાથે ઘૂસ્યો હતો. આરોપીએ ફાયરિંગ કરી દુકાનમાં હાજર લોકોને ભયભીત કર્યા બાદ સોનાના બિસ્કીટ, સોનાનો વીટીઓ સહિત અંદાજે ૧.૫૧ કરોડના દાગીના અને કિંમતી મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.
આ કેસમાં તપાસ સતત ચાલી રહી હતી. દરમિયાન જામનગરમાં હથિયાર ચોરીના એક અલગ કેસની તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા. તે આધારે તપાસ આગળ વધારતા ખાડિયા લૂંટકાંડ સાથે જોડાયેલી કડીઓ મળી આવી હતી.
ઝોન-૩ એલસીબીએ ટેકનીકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે આરોપી દીપક રમેશચંદ્ર ભુકેરને ઝડપી પાડ્યો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યું છે.
પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ લૂંટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં, લૂંટાયેલા મુદ્દામાલનો કેટલો ભાગ હજુ બાકી છે તેમજ સમગ્ર કાવતરું કેવી રીતે રચાયું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલુ છે.ઝોન-૩ એલસીબીની આ કાર્યવાહી બાદ વર્ષોથી ચર્ચામાં રહેલા આ કેસમાં મહત્વની પ્રગતિ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.









































