બે વિનાશક ભૂકંપે વેનેઝુએલામાં ભારે વિનાશ મચાવ્યો છે. બુધવારે એક મિનિટમાં ૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૩૫ લોકો માર્યા ગયા છે અને ૪,૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. હજારો લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે. ભૂકંપથી થયેલા વિનાશ વચ્ચે, કેટલીક ચમત્કારિક છબીઓ સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
દેશના ઉત્તરીય પ્રદેશોમાં, જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે, બચાવ કામગીરી મુખ્યત્વે ચાલી રહી છે. લા ગુએરા પ્રદેશમાં પરિસ્થિતિ ખાસ કરીને ભયાનક છે, જ્યાં સ્વયંસેવકો અને કટોકટી ટીમો બચી ગયેલા લોકોને શોધવા માટે કોંક્રિટના પહાડો ખોદી રહી છે.
આ બચાવ કામગીરી દરમિયાન, એક નિર્દોષ બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. બાળક કાટમાળ નીચે દટાયેલું સલામત અને સ્વસ્થ મળી આવ્યું હતું. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બચાવકર્તાઓ બાળકને બચાવતી વખતે રડતા અને આનંદથી ચીસો પાડતા દેખાય છે. આ બાળક એવા પરિવારો માટે આશાનું કિરણ બની ગયું છે જેમના પ્રિયજનો હજુ પણ ગુમ છે.
લા ગુએરામાં, વેનેઝુએલાની રાષ્ટ્રીય પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ બીજા નવજાત બાળકને બચાવ્યું. વધુમાં, કલાકોની મહેનત પછી, એક ૧૨ વર્ષના છોકરાને કાટમાળમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો. આ સફળતાઓએ બચાવ ટીમોનું મનોબળ વધાર્યું છે. કાટમાળમાંથી એક મહિલાને પણ જીવતી બહાર કાઢવામાં આવી હતી.
આવી જ એક હૃદયદ્રાવક ઘટના બની જ્યારે કલાકોની સખત મહેનત પછી, એક લાચાર કૂતરાને કાટમાળના સાંકડા ભાગમાંથી બચાવી લેવામાં આવ્યો. હવા, પાણી કે પ્રકાશ વિના ઘણા કલાકો સુધી કાટમાળ નીચે ફસાયેલો કૂતરો એકદમ ગભરાઈ ગયો અને શ્વાસ લેવામાં તકલીફ પડી. બચાવ ટીમે તેને બહાર કાઢતાંની સાથે જ, એક બચાવ કાર્યકર્તાએ તરત જ તેને તેની બોટલમાંથી પાણી આપ્યું. કાટમાળમાંથી બહાર આવતાની સાથે જ પાણી પીવાનો પ્રયાસ કરતો કૂતરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે, જેનાથી તેમની આંખોમાં આંસુ આવી ગયા છે.
ભૂકંપના કારણે મૈક્વેટિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરેલા રુટાકા એરલાઇન્સના વિમાનમાં પણ ગભરાટ ફેલાયો. મુસાફરો અને ક્રૂને જારદાર ભૂકંપનો અનુભવ થયો. નુકસાનને કારણે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે રાહત કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. વિનાશ વચ્ચે માતા અને બાળકના ફરી મળવાની વાર્તાએ પણ બધાના હૃદયને સ્પર્શી લીધું. એક મહિલા રાહત કેન્દ્ર તરફ જઈ રહી હતી ત્યારે તેને રસ્તામાં તેનું ખોવાયેલું બાળક મળ્યું.
કાર્યકારી રાષ્ટÙપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કહ્યું કે વહીવટીતંત્ર શક્્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અધિકારીઓએ ભારે મશીનરીને કાટમાળ ઝડપથી દૂર કરવા વિનંતી કરી છે. આ ભૂકંપ છેલ્લા ૧૦૦ વર્ષમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક છે. તેનાથી હોસ્પિટલો, વીજળી અને સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. લગભગ ૨૫૦ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. લગભગ ૨૦૦ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. ઘણા દેશોમાંથી આંતરરાષ્ટ્રીય ટીમો અને સહાય પહોંચવાનું શરૂ થઈ ગયું છે.