બગસરાના માણેકવાડા ગામની શ્રી માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે ૨૫ જૂન ૨૦૨૬ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. શાળામાં પ્રથમવાર પ્રવેશતા બાળકોને શૈક્ષણિક કીટ અને બચત ગલ્લા આપીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરપંચ અને એસ.એમ.સી.ના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા નિર્મિત સંસ્કૃત કક્ષનું ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ભગવદ્ ગીતાના શ્લોકગાનથી થઈ હતી. આ વિશેષ કક્ષમાં ભારતીય જ્ઞાનપરંપરા, વૈદિક જ્ઞાન, સંસ્કૃત સુભાષિતો અને ઋષિ-મુનિઓના જીવનદર્શનને દર્શાવતી શૈક્ષણિક સામગ્રી ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં મહેમાનોનું સ્વાગત કરીને આકર્ષણ જમાવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ સમગ્ર મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.








































