ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એક સફળ ટ્રેપ ગોઠવી પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલને રૂ. ૨૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી એક વેપારી છે, જેમનું વેપાર સંબંધિત બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે ભાડકોદ્રા પોલીસ ચોકી, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારે ફરિયાદીનો વારંવાર સંપર્ક કરી લાંચની માંગણી કરી હતી.
આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદીને રૂબરૂ મળી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની પ્રક્રિયા આગળ વધારવા બદલ રૂ. ૨૫ હજારની લાંચ માંગ્યાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદ મળ્યા બાદ વડોદરા શહેર એસીબીની ટીમે પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરિયાદ સાચી હોવાનું સામે આવતા અધિકારીઓએ સુનિયોજિત રીતે ટ્રેપ ગોઠવ્યો હતો.
ટ્રેપ દરમિયાન અંકલેશ્વર નજીક વાલિયા ચોકડીથી ભરૂચ તરફ જતા માર્ગ પર આવેલી એક ચાની દુકાન બહાર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. ૨૫ હજારની લાંચની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન ટીમે કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી. લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે કરવામાં આવી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.









































