ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. ખાંભા તાલુકાના ચતુરી ગામમાં મંગળવારે મોડી રાત્રે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. માત્ર પાંચ વર્ષના બાળકનું સિંહણના હુમલામાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
માહિતી મુજબ, પાંચ વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો. તે દાદાની આંગળી પકડીને આગળ વધી રહ્યો હતો ત્યારે અંધારામાંથી અચાનક સિંહણે હુમલો કર્યો. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગઈ. ઘટનાની પળોમાં જ પરિવાર અને ગામલોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ.
ઘટનાની જાણ થતાં ગામના લોકો તરત જ લાકડીઓ લઈને બાળકની શોધમાં નીકળી પડ્યા. કેટલાક યુવાનોએ સિંહણ પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યે ગામથી આશરે એક કિલોમીટર દૂર બાળકના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈ પરિવાર સહિત સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું.
ઘટનાની જાણ થતાં ધારી ગીર પૂર્વ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે સિંહણને પકડવા માટે મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાસ્થળ નજીકથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે, જ્યારે અન્ય વન્યપ્રાણીને શોધવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ ઘટનાએ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, છતાં કાયમી સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી.