અમરેલીના ઐતિહાસિક રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની નવી અદ્યતન કચેરીના બાંધકામનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થયું હતું. અંદાજે રૂ. ૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ આધુનિક ભવન તમામ આધુનિક સુવિધાઓ અને માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવા ભવનના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો થશે. નાગરિકોને સરકારી કામકાજ માટે વધુ સુવિધાજનક, પર્યાવરણલક્ષી અભિગમ સાથે તૈયાર થનારા આ ભવનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, હાઈ-ટેક ફાયર સેફ્ટી સિસ્ટમ તથા ૨૪ કલાક પાણી પુરવઠા માટે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ પંપની સુવિધા ઉપલબ્ધ કરાશે. ઉપરાંત મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે વિશાળ ર્પાકિંગ વિસ્તાર, સમગ્ર સંકુલમાં સી.સી. રોડનું નેટવર્ક તેમજ સુરક્ષા માટે મજબૂત બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરવામાં આવશે.









































