અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ભાવનગરની ૨૩ વર્ષીય યુવતીની ગંભીર માનસિક બીમારી ‘સ્કિઝોફ્રેનિયા’ની સફળ અને નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ દર્દી છેલ્લા ૬ વર્ષથી ઊંઘ ન આવવી, ભણકારા સંભળાવા, શંકા-વહેમ અને અસામાન્ય વર્તન જેવી તકલીફોથી પીડાતી હતી. અન્ય જગ્યાએ મોંઘી સારવાર છતાં સુધારો ન થતાં પરિવાર આ હોસ્પિટલમાં આવ્યો હતો. તપાસ બાદ દર્દીને માનસિક રોગ વિભાગમાં દાખલ કરી ડા. ભાવિન કદાવાલા અને ડા. મિહિર જાનીની દેખરેખ હેઠળ ૧૬ દિવસ સારવાર આપવામાં આવી હતી, જેમાં ૫ ECT (ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી) અને ICUની સઘન સારવાર સામેલ હતી. દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં તેને રજા અપાઈ છે. શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ હોવાથી પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.










































