અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારના કારોબાર સામે લાલ આંખ કરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાથલ ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા મોટા જુગારધામ પર ટીમે મોડી રાત્રે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા ૫ શખસોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય ૮ શખસો નાસી જવામાં સફળ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય ન્ઝ્રમ્ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને બાતમી મળી હતી કે સનાથલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ખેતરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા કૌશીક પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, ચીંતન પટેલ, વિક્રમ ઠાકોર અને સિધ્ધરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મહાવિરસિંહ ઉર્ફે માવુ ચૌહાણ, ગોવિંદસિંહ પરમાર, જગદીશસિંહ ચૌહાણ, રોહીત પટેલ, નરેન્દ્ર ઉર્ફે ટીના ઠાકોર, અશ્વીન પરમાર, નીતેષ ઉર્ફે લાલા પ્રજાપતિ અને રસીક ઉર્ફે કાળુ ઠાકોર. ઘટનાસ્થળેથી નાસી જવામાં સફળ રહ્યા હતા. જેને વાન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે દરોડા દરમિયાન જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઘટનાસ્થળેથી રોકડા ૧,૭૫,૦૦૦ રૂપિયા, ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૬ નંગ મોબાઈલ ફોન અને ૧૩,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૮ વાહનો મળી કુલ ૧૫,૭૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાય હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકે ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.