ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. બે વર્ષથી રિસામણે રહેતી ૨૫ વર્ષીય પરિણીતાની તેના જ પતિએ કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આ લોહીયાળ ખેલ ખેલ્યા બાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને ગારીયાધાર પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ, મૃતક પાયલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં વિજય પરમાર સાથે થયા હતા. જોકે, લગ્નજીવનના શરૂઆતના સમયથી જ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. ઘરકંકાસ અને વારંવાર થતા ઝઘડાથી કંટાળીને પાયલબેન છેલ્લા બે વર્ષથી પતિનું ઘર છોડીને રિસામણે રહેતા હતા. પત્ની લાંબા સમયથી પરત ન આવતી હોવાના કારણે પતિ વિજય પરમાર મનમાં કડવાશ રાખીને બેઠો હતો અને તેને આ બાબતનું ખોટું લાગી ગયું હતું.
ગઈકાલે આ પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા પતિ વિજયે પાયલબેન પર કુહાડી વડે હિંસક હુમલો કરી દીધો હતો. તેણે પત્નીના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય અંગો પર કુહાડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે પાયલબેન લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પત્નીને મોતના ઘાટ ઉતાર્યા બાદ આરોપી વિજય ત્યાંથી નાસી છૂટ્યો હતો.
હત્યાની જાણ થતાં જ ગારીયાધાર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કર્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિજય પરમારને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.