સુરતમાં નાર્કોટિક્સ પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી વિરૂદ્ધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સુરત ઝોન અને સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા મળી છે. કતારગામથી વરાછા તરફ પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓટો રિક્ષામાં રેડ કરી ૫.૫૧૦ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મૂળ બિહારના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા, રિક્ષા સહિત કુલ ૪,૩૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધીક્ષક લોકેશ યાદવ એ એન ટી એફની સૂચના તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક આર.આર.વસાવાના માર્ગદર્શન હેઠળ એ એન ટીએફ સુરત ઝોન,સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.રાઠોડ તથા ટીમ દ્વારા મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે સુરત શહેર વિસ્તારમાં નાર્કોટિક્સ પદાર્થના ગેરકાયદેસર વેચાણ/કબજા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે કતારગામથી વરાછા તરફ પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ ઉપર એક પીળા-લીલા રંગની ઓટો રિક્ષા નંબરમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા હોવાની માહિતી મળતા કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી મોહ.અહેસાન અલી (ઉં.વ.૨૯) હાલ રહે. ઘર નંબર.૩, દિનદયાલ નગર, સાઇબાબા મંદિર પાસે, કાપોદ્રા, સુરત. મૂળ જમાલપુર, ખાગડીયા, બિહારને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીના કબજામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી પાસેથી માદક પદાર્થનો ગાંજા ૫.૫૧૦ કિલોગ્રામ (કિંમત ૨,૭૫,૫૦૦ રૂપિયા), ઓટો રિક્ષા (કિંમત ૧.૫૦ લાખ), મોબાઇલ ફોન (૫૦૦૦ રૂપિયા) સહિત ૪,૩૦,૫૦૦ રૂપિયાનો કૂલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી તથા અન્ય સંડોવાયેલા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે.