ચૈતર વસાવા ગુજરાત સરકારનો સતત વિરોધ કરતાં જાવા મળે છે. પરંતુ હવે નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાના સુર બદલાયા છે. ચૈતર વસાવાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. સામાન્ય રીતે રાજ્ય સરકારના કાર્યક્રમોમાં વિવિધ કૌભાંડો, વહીવટી તંત્રની કામગીરી અને અધિકારીઓ સામે આક્રમક વલણ અપનાવતા ચૈતર વસાવાના આ શિબિરમાં અલગ જ સુર જાવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ મંચ પર ઉપસ્થિત હતા.
રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “એક હાથથી તાળી ન પડી શકે, વિકાસ માટે આપણે પણ સહકાર આપવો પડશે.”ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જિલ્લો રોજગાર આપવામાં રાજ્યમાં પાંચમા ક્રમે પહોંચ્યો છે. નોંધનીય છે કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મનરેગામાં કથિત કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા હતા, જ્યારે હવે તે જ યોજનાની કામગીરી અંગે સકારાત્મક વાત કરી છે.
તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પણ જણાવ્યું કે ડેડીયાપાડા તાલુકો રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તાલુકાઓમાં સ્થાન ધરાવે છે.સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓમાં આપની સત્તા હોવાના કારણે પણ ચૈતર વસાવાના બદલાયેલા અભિગમ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. શિબિર દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
સામાન્ય રીતે ચૈતર વસાવા સરકારની કામગીરીની ટીકા કરતાં જાવા મળે છે. તેઓ અત્યાર સુધી અનેક વખત આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યાં છે. પરંતુ હવે ચિંતન શિબિરમાં સરકારના વખાણ કરતા ચૈતર વસાવાનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.