શહેરમાં એટીએમ મશીનોની આસપાસ લોકોને ભોળવીને તેમના એટીએમ કાર્ડ બદલી નાંખી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી એક શાતિર ગેંગને ઈચ્છાપોર પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીઓ પાસેથી ૧૪ એટીએમ કાર્ડ, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ ૬૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરાગામ વિસ્તારમાં એટીએમની અંદર સામાન્ય લોકોને મદદ કરવાના બહાને તેમની સાથે વાતચીત કરી, નજર ચૂકવી એટીએમ કાર્ડની અદલાબદલી કરીને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. આ પ્રકારની છેતરપિંડીના બે અલગ-અલગ ગુનાઓ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.
પ્રથમ ગુનામાં આરોપીઓએ એક વ્યક્તિના ખાતામાંથી ૪૦,૦૦૦ ઉપાડી લીધા હતા, જ્યારે બીજા ગુનામાં ૪૩,૦૦૦ની છેતરપિંડી કરવામાં આવી હતી. આમ બંને ગુનાઓમાં કુલ ૮૩,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી હતી. બંને ગુનાઓ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) અને ૫૪ હેઠળ નોંધવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આવી ગેંગને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
ઈચ્છાપોર પોલીસે ખાસ તપાસ હાથ ધરી ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમે ઘટનાસ્થળ અને તેની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને સચીન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ એટીએમ કાર્ડની અદલાબદલી કરીને લોકોને છેતર્યાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ૧૪ છ્‌સ્ કાર્ડ, છેતરપિંડીથી મેળવેલા ૩૯,૦૦૦ રોકડા તેમજ ૩ મોબાઇલ ફોન મળી કુલ ૬૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓ સામે અન્ય વિસ્તારોમાં પણ આવા ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.