અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી મહિલાના મૃત્યુ બાદ ભારે વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ સારવાર દરમિયાન તબીબી બેદરકારી થઈ હોવાનો આક્ષેપ કરતા ઘટનાની નિષ્પક્ષ તપાસ અને પોસ્ટમોર્ટમની માંગ ઉઠાવી છે.
મળતી માહિતી મુજબ બાપુનગર વિસ્તારના સંજયનગરમાં રહેતી ૩૫ વર્ષીય પ્રિયાબેન પટણી ગર્ભવતી હતા અને તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનો તેમને સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમને દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર મહિલાની સ્થિતિ શરૂઆતમાં સામાન્ય હતી, પરંતુ મોડી રાત્રે અચાનક તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું હતું. હોસ્પિટલના તબીબોએ પરિવારને માહિતી આપતા કહ્યું હતું કે મહિલાના ધબકારા અચાનક વધી જવાથી અને બેભાન થઈ જવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં તબીબી બેદરકારી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના કહેવા મુજબ ડિલિવરી પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ સ્ટાફે ડોક્ટરના ફોન પર આપવામાં આવેલા સૂચનોના આધારે કામગીરી કરી હતી. જેના કારણે યોગ્ય અને સમયસર સારવાર ન મળતાં મહિલાનું મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પરિવારજનોએ મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું સાચું કારણ બહાર લાવવાની માંગ કરી છે.
હાલ પોલીસે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ સેવાઓ અને તબીબી વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.








































