ગુજરાતની એક મહિલા લેક્ચરર સાથે યુકે વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતી અને મૂળ ગાંધીનગરની રહેવાસી મહિલાએ લંડન સ્થિત એક એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહિલાને વિદેશમાં નોકરી મેળવવાની અને ેંદ્ભમાં વર્ક વિઝા પર જવાની ઇચ્છા હતી. આ દરમિયાન તેમના મિત્રોના પરિચયથી તેમનો સંપર્ક યુકે સ્થિત એક એજન્ટ સાથે થયો હતો. એજન્ટે વર્ક વિઝા પ્રક્રિયા માટે વિશેષ પેકેજ હોવાની વાત કહી હતી અને સમગ્ર પ્રક્રિયા માટે મોટી રકમની માંગણી કરી હતી.
પ્રારંભિક તબક્કામાં પ્રોફાઇલ રિવ્યુ, ડોક્યુમેન્ટ ચકાસણી અને વિઝા પ્રક્રિયાના વિવિધ ખર્ચના બહાને લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. બાદમાં ઓનલાઈન એગ્રીમેન્ટ અને જરૂરી દસ્તાવેજા મંગાવી સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાનું જણાવાયું હતું.
ફરિયાદી અને તેમના મિત્ર દ્વારા અલગ-અલગ તબક્કે કુલ ૩૫ લાખ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જોકે, પૈસા મળ્યા બાદ પણ વિઝા પ્રક્રિયામાં સતત વિલંબ થતો રહ્યો. ક્યારેક દસ્તાવેજામાં ભૂલ હોવાનું તો ક્યારેક સ્પોન્સર લેટરમાં ખામી હોવાનું કહીને એજન્ટ સમય પસાર કરતો રહ્યો હતો.
લાંબા સમય સુધી વિઝા ન મળતાં મહિલાએ પોતાની રકમ પરત માગી હતી. ત્યારબાદ એજન્ટે રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ કુલ રકમ સામે માત્ર આશરે ૬૨ હજાર રૂપિયા જ પરત કરવામાં આવ્યા હતા. બાકીની ૩૪.૩૯ લાખ રૂપિયાની રકમ પરત ન મળતાં આખરે મહિલા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
હાલ પોલીસે સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ વિદેશમાં નોકરી કે વિઝાના નામે થતી ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેત રહેવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે.









































