મેવાસા ગામના ડુંગર વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરે માતાજીના માંડવામાં નશાની હાલતમાં ન આવવાનું કહેતા હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ અંગે વંડા ગામના ભનુભાઇ વલ્લભભાઇ આંકોલીયાએ વિજયભાઇ જોરુભાઇ મૈત્રા (રહે. પિયાવા), સાવજભાઇ દડુભાઇ ખુમાણ (રહે. મેવાસા) તથા રાજુભાઇ ભોળાભાઇ હજામ (રહે. પિયાવા) સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીના પરિવારને મેવાસા ગામના ડુંગર વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરે માનતા હોવાથી, તેઓ પરિવાર સાથે ત્યાં ગયા હતા. તે દરમિયાન સાંજના આશરે પોણા સાતેક વાગ્યે આરોપીઓ ત્યાં નશાની હાલતમાં આવ્યા હતા. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપીઓને માતાજીના માંડવામાં નશાની હાલતમાં ન આવવાનું જણાવ્યું હતું.આ બાબતનું મનદુઃખ રાખી, રાત્રિના આશરે પોણા બે વાગ્યા આસપાસ ફરિયાદી તથા સાહેદ બાવકુભાઇ અને સહદેવભાઇ રાવળ ત્રણેય માતાજીના મંદિરના ઓટલા ઉપર સૂતા હતા, ત્યારે આરોપીઓ લોખંડની પાઈપ સાથે ધસી આવ્યા હતા અને આડેધડ માર મારવા લાગ્યા હતા. ઉપરાંત સાહેદો પર પણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોએ બૂમાબૂમ (રાડારાડ) કરવા માંડતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.