બગસરા નગરપાલિકા દ્વારા ગત વર્ષે લાદવામાં આવેલા વેરાના મુદ્દે વેપારીઓનો વિરોધ યથાવત છે. બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં નગરપાલિકાને વેરો ઘટાડવા માટે સત્તાવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે, આગામી ૧૭ તારીખે મળનારી નગરપાલિકાની સામાન્ય સભાના એજન્ડામાં વેરા ઘટાડવા બાબતે કોઈ જ મુદ્દો લેવામાં ન આવતા વેપારી આલમમાં અને નગરજનોમાં ભારે નિરાશા અને રોષ વ્યાપી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, હાલમાં બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ, ચિરાગભાઈ પરમાર, અનિલભાઈ શેખ, જમાલભાઈ સરવૈયા એમ ચાર જેટલા અગ્રણી સદસ્યો નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ બિરાજમાન છે. આમ છતાં, વેપારીઓ અને નગરજનોના આટલા ગંભીર અને સળગતા પ્રશ્ને સામાન્ય સભાના એજન્ડામાં સ્થાન અપાવવામાં નિષ્ફળતા મળી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પોતાના જ પ્રતિનિધિઓ પાલિકામાં હોવા છતાં એજન્ડામાં વેરા ઘટાડાનો મુદ્દો કેમ ન લેવાયો તે બગસરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, બગસરામાં વેરા ઘટાડવાની આ માંગણી નવી નથી. ગત વર્ષે બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જ વેરા ઘટાડવાની ઉગ્ર માંગ સાથે આખું ગામ સજ્જડ બંધ રાખીને મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં થયેલા ‘ગામ બંધ’ જેવા મોટા આંદોલન અને હાલના આવેદનપત્ર આપવા છતાં પાલિકા તંત્ર દ્વારા વેરા ઘટાડા બાબતે કોઈ સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું નથી.